Breaking News

ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે રાજવી પરિવારના કુળદેવી માં ખોડિયારનું આ મંદિર જાણો શું છે વિશેષતા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા ગામે આવેલું જગ વિખ્યાત ખોડિયાર મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં દેશ વિદેશથી આવીને માઈ ભક્તો માતાના પગ પખાળે છે. ભાવનગર થી ૧૮ કિ.મી.

તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં.

અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છે કે, તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે.

ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી મહારાજ વખતસિંહજી ગોહિલે 1748થી 1816 દરમિયાન આ સ્થાપના કરી હતી. પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં.

આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં.

આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું.

ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે. ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.

આવુજ એક બીજું મંદિર ખોડિયાર માતાના ભકતો દેશ-વિદેશમાં ઠેર-ઠેર પથરાયેલા છે. માતાજી તેમના ભકતોની વહારે હજરાહજુર રહેતાં હોઇ તેમનામાં વિશેષ શ્રદ્ધા જોવા મળે છે. ખોડિયાર માતાનાં અનેક જગ્યાએ મંદિરો આવેલાં છે પણ અમરેલી જીલ્લાના ધારીગામ પાસે ગળધરા માં ખોડિયારમાનું અત્યંત વિખ્યાત મંદિર છે. તો ચાલો જાણીયે આ મંદિર ના ઇતિહાસ વિષે.

સૌરાષ્‍ટ્રનાં ખોડિયાર માતાજીના મુખ્‍ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે. આ મંદિર અમરેલી જીલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.

એક લોક વાયકા પ્રમાણે બહુ સમય પહેલા અહીં એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભું ગળું અહીં બીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.

નવઘણનેે માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા’દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઇ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માઁ ખોડીયારની કૃપાથી નવઘણનો જન્મ થયો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતોની કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો.

કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ તેની રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું આ દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલું છે.

આ શિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

ખોડિયાર મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. ડેમનો ધોધ એટલો આહલાદ્ક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં આવે તો પાણીની ભુલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. ખોડીયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે 2 કીમી. દૂર છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે.

દિવાળી અને નવા વર્ષના દિવસે ખોડિયાર ડેમ પર માનવ મહેરામણ દર્શન કરવા અલગ-અલગ જગ્યાએથી પહોંચી જાય છે. અહીં મેળાઓ પણ યોજાય છે. નાસ્તા અને જમવાનું સેન્ટર પણ છે. આજુબાજુના ગામના લોકો રજાના દિવસે અહીંયા ભોજન કરવા પણ આવે છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *