સોનું માત્ર પેહેરવા જ નહિ પણ સ્વસ્થ રહેવા માટે પણ છે કામનું આ રીતે કરો ઉપયોગ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સમૃદ્ધિ માટે ધનતેરસના દિવસે સોનાનાં ઘરેણાં ખરીદવાની જૂની પરંપરા છે. ઘરેણાંઓ તમારી બાહ્ય સુંદરતા વધારશે, જ્યારે સુવર્ણ ભસ્મ તમારી આંતરિક સુંદરતામાં વધારો કરશે. નપુંસકતા, ક્ષયરોગ, હાઇપરટેન્શન, રક્તશુદ્ધિ, તાવ આવવો, આર્થ્રાઇટિસ, પ્રમેહ રોગો, ડિપ્રેશન, સ્મરણશક્તિ વધારવા, ત્વચાના રોગોને દૂર કરવા આયુર્વેદમાં સુવર્ણ ભસ્મનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. આયુર્વેદિક ઔષધિઓમાં ધાતુ ભેળવવાથી એ પાવરફુલ બને છે. આપણે ત્યાં નાનાં બાળકોને ગળથૂથીમાં સુવર્ણપ્રાશન કરાવવાનો મહિમા છે ત્યારે વાત કરીએ એના ચમત્કારિક ફાયદાઓની ..

ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજનની સાથે ધાતુની પૂજા કરવાનો મહિમા છે. આ દિવસે સુવર્ણની ખરીદીની પરંપરા છે. કહેવાય છે કે સમુદ્રમંથન દરમિયાન તેરસના દિવસે ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા તેથી સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. ભગવાન ધન્વંતરીને સમૃદ્ધિના દેવતા જ નહીં, આયુર્વેદ ઔષધિના જનક પણ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તેમના હાથમાં અમૃત કળશ ઉપરાંત સુવર્ણભસ્મમાંથી બનાવેલી ઔષધિ હતી. સોનાનાં ઘરેણાં પહેરવામાં સુંદર લાગે છે એવી જ રીતે સુવર્ણભસ્મમાંથી બનાવેલી ઔષધિ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. આજે આપણે સુવર્ણ ભસ્મના ગુણ અને એના સેવનમાં કેવી સાવચેતી રાખવી જોઈએ એે વૈદરાજ પ્રબોધ ગોસ્વામી વિશે વાત કરીએ.

સુવર્ણ ભસ્મનું સેવન.આયુર્વેદના ગ્રંથોમાં રસરસાયન ચિકિત્સા (ધાતુ ચિકિત્સા)ને શ્રેષ્ઠ કહી છે. અનેક વ્યાધિમાં ધાતુની ભસ્મ ખાવાના ફાયદા સૂચવવામાં આવ્યા છે. સોનામાંથી ઘરેણાં જ નહીં આયુર્વેદિક ઔષધિઓ પણ બને છે. વૈદરાજ પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સુવર્ણ ભસ્મમાં સ્નિગ્ધ, મધુર, કષાય, સહેજ તિક્ત, શીતવર્ય અને રસાયનનો ગુણ છે. ગ્રંથોમાં શારીરિક અને માનસિક નબળાઈમાં આ ભસ્મનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે. સુવર્ણમાં નપુંસકત્વનાશનનો ગુણ રહેલો છે. એના સેવનથી અંડકોષની ગ્રંથિઓ બળવાન બને છે અને નપુંસકતા દૂર કરે છે. આંખો લાલ રહેતી હોય, પાંપણની નીચે બાજરીના જેવા દાણા થવા જેવા આંખોના કષ્ટસાધ્ય દરદમાં સુવર્ણ ભસ્મ ઉપયોગી છે.

વાતપિત્ત, સુસ્તી-ચક્કર, વ્યાકુળતા વગેરે પિત્તપ્રધાન લક્ષણોમાં ગળોત્સવ અને મોતીપિષ્ટ સાથે સુવર્ણ ભસ્મનું સેવન હિતકર છે. ભારે ખોરાક ખાવાના શોખીનો અને ખૂબ આહાર કરનારાઓના આંતરડામાં વિષ એકત્ર થાય છે. વિષનું પ્રમાણ વધી જાય ત્યારે ઝાડા-ઊલટી, હેડકી, પેટમાં દરદ શરીર પર ઠેર-ઠેર શીળસ અને ગભરામણ થવા લાગે છે. આયુર્વેદની ચિકિત્સામાં સુવર્ણ ભસ્મને વમન વિરેચન તરીકે ઓળખાવી છે. સુવર્ણ ભસ્મ આપવાથી આ ઉપદ્રવો શમી જાય છે.’

સાંધાનો દુખાવો, મણકામાં તકલીફ, ઘૂંટણ ઘસાઈ જવાં આ બધી તકલીફોમાં સુવર્ણ ભસ્મ અકસીર ઇલાજ છે. હાડકાંના ઘસારામાં બ્રહ્મસવાત ચિંતામણિ રસનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. આ ઉપરાંત ક્ષયરોગ, હાઇપરટેન્શન, બ્લડ-સર્ક્યુલેશન સુધારવા, રક્તશુદ્ધિ, તાવ આવવો, આર્થ્રાઇટિસ, પ્રમેહ રોગો, ડિપ્રેશન, સ્મરણશક્તિ વધારવા, એનર્જી, ત્વચાના રોગોની સારવાર અને રોગને નિયંત્રણમાં રાખવા માટેની આયુર્વેદિક ઔષધિમાં સુવર્ણ ભસ્મ ઉમેરવામાં આવે છે.

સુવર્ણ ભસ્મના પ્રયોગથી ત્વચા સુંવાળી અને તેજસ્વી બને છે. સોનાની ભસ્મમાં શરીરના બધા જ અંગોને સ્વસ્થ રાખવાની ક્ષમતા છે. અનેક જૂની બીમારીમાં ફાયદો થયો હોવાનું પુરવાર થયું છે. સોનાની ભસ્મનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સુવર્ણ ભસ્મ ખૂબ જ મૂલ્યવાન હોય છે. સુવર્ણમુક્તાવટી, સુવર્ણપ્રાશન, મકરધ્વજવટી, કુમાર કલ્યાણરસ, વસંતમાલતી વગેરે ઔષધિઓમાં એનો ઉપયોગ થાય છે.’

માત્રા અને સાવચેતી.સુવર્ણ ભસ્મને યોગવાહી કહી છે. કોઈ પણ ઔષધિમાં સુવર્ણ ભસ્મ ભળે એટલે એનો પાવર અનેકગણો વધી જાય. એવું જ બીજી ધાતુઓનું પણ છે. આપણે ઘણી વાર ગંધક અને પારા વિશે પણ સાંભળ્યું છે. જોકે ધાતુની માત્રા વ્યક્તિની તંદુરસ્તી, પ્રકૃતિ, પાચનશક્તિ અને રોગની અવસ્થા પર આધાર રાખે છે. સુવર્ણ ભસ્મની ગણતરી રતી પ્રમાણે થાય છે.

એક રતી એટલે એક ગ્રામ સોનાનો આઠમો ભાગ. ક્ષયરોગમાં સુવર્ણભસ્મની માત્રા 1|16 રતી (એક રતીનો પણ સોળમો ભાગ) અથવા એનાથી પણ ઓછી આપવી. વધારે માત્રામાં આપવાથી મોટા પ્રમાણમાં ક્ષયના જંતુઓ એકી સાથે મરી જતાં તાવ વધી જાય છે. સુવર્ણપ્રાશનમાં એક રતીનો બત્રીસમો ભાગ ઉમેરવામાં આવે છે. પાચનશક્તિ સારી હોય તો દિવસમાં બેથી ત્રણ વાર પણ લઈ શકાય છે. કેટલાક રોગીની પાચનશક્તિ એટલી નબળી હોય છે કે એક રતીનો
પચાસમો ભાગ માંડ પચાવી શકે છે.

ગ્રંથોમાં જુદા-જુદા રોગ પ્રમાણે માત્રા નક્કી કરેલી છે. સુવર્ણ ભસ્મને ગાયના દૂધ-ઘી અથવા મધ સાથે લઈ શકાય. વૈદરાજે લખી આપેલી માત્રા કરતાં જરાપણ વધુ માત્રામાં ન લેવાની સલાહ છે. ધાતુનો અતિરેક નુકસાનકારક બની શકે છે. ઔષધિ ઉપરાંત ખાણી-પીણીની ચીજવસ્તુઓમાં પણ સુવર્ણભસ્મનો ઉપયોગ થાય છે. જૂના જમાનામાં રાજા-મહારાજાઓ સોનાનાં વાસણોમાં પીરસવામાં આવેલું ભોજન આરોગતા. મીઠાઈઓમાં સોનાનો વરખ લગાવવામાં આવે છે. જોકે એની શુદ્ધતાની ચકાસણી વિશે કહી ન શકાય.’

સુવર્ણપ્રાશન સંસ્કાર.મહર્ષિ કશ્યપ દ્વારા લખેલા ગ્રંથમાં સોળ સંસ્કારોમાં એક સંસ્કાર સુવર્ણપ્રાશન હોવાનો ઉલ્લેખ છે. જન્મથી લઈને સોળ વર્ષ પહેલાં સુધીમાં સુવર્ણપ્રાશનની ક્રિયા કરાવી જોઈએ. સુવર્ણપ્રાશન આપવાનો ઉચિત સમય સવારે સૂર્યોદય પહેલાંનો છે. શરૂઆતમાં એક મહિના સુધી રોજ સુવર્ણપ્રાશન આપવાથી બળ-બુદ્ધિ વધે છે. ત્યાર બાદ દરેક મહિનાના પુષ્ય નક્ષત્રમાં એક વાર આપવું જોઈએ એવી ભલામણ કરવામાં આવી છે. ઘણા લોકો પથ્થર પર સુવર્ણનાં ઘરેણાં ઘસી એનું પાણી પીવડાવે છે.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં પ્રબોધભાઈ કહે છે, ‘આધુનિક તબીબી વિજ્ઞાનમાં બાળકોને જે-તે રોગથી બચાવવા રસી (વૅક્સિન) મૂકવામાં આવે છે એવી રીતે જૂના સમયમાં સુવર્ણ ભસ્મ આપવામાં આવતી હતી. આયુર્વેદમાં બાળકનો જન્મ થાય ત્યારથી ૧૨ વર્ષનું થાય ત્યાં સુધી સુવર્ણપ્રાશનનો પ્રયોગ કરવાનું સૂચવવામાં આવ્યું છે. સુવર્ણપ્રાશન વિધાન કરાવવાથી મગજની કાર્યક્ષમતા વધે છે. સોનું એટલે સુવર્ણ અને પ્રાશન એટલે ચટાડવું. અગાઉના જમાનામાં નવજાત શિશુને ગળથૂથી વિધાન કરવામાં આવતું હતું એ બીજું કંઈ નહીં સુવર્ણપ્રાશન છે. સુવર્ણને મધ-ઘી અને ગોળમાં ઘસીને નાનાં બાળકોને ચટાડવામાં આવે છે.

આ એક પ્રકારનો ચ્યવનપ્રાશ છે. એમાં બ્રાહ્મી, શંખપુષ્પી, ઘી-મધ, ગોળ સહિત જુદી-જુદી બુદ્ધિવર્ધક જડીબુટ્ટીઓ સાથે ખૂબ જ ઓછી માત્રામાં સુવર્ણ ભસ્મ ભેળવવામાં આવે છે. બાળકોને સુવર્ણપ્રાશન આપવાથી હાડકાં મજબૂત બને છે અને તંદુરસ્તી સારી રહે છે. તેમના માટે આ ઉત્તમ બ્રેઇન ટૉનિક છે. એનાથી બુદ્ધિનો વિકાસ ઝડપથી થાય છે. એટલે જ કહ્યું છે કે બારે બુદ્ધિ, સોળે સાન અને વીસે વાન. નિયમિત રીતે સુવર્ણપ્રાશન લેવાથી શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે. પ્રાશનનું સેવન આમ તો કોઈ પણ કરી શકે, પરંતુ સુવર્ણભસ્મનો માઇક્રો ડોઝ હોવાથી પુખ્ત વયના લોકોને ખાસ લાભ થતો નથી.’

ભસ્મ બનાવવાનું કામ નિપુણતાથી થવું જરૂરી છે, નહીંતર નુકસાન પણ થાય.માનવ શરીર પંચધાતુમાંથી બનેલું છે. ધાતુની ઊણપ થાય તો રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય. આપણાં હાડકાંમાં સુવર્ણ છે જ તેમ છતાં મૉડર્ન સાયન્સ મેટલને મેડિસિન તરીકે લેવાની ફેવર કરતું નથી એ આશ્ચર્યની વાત છે. પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ભસ્મ એટલે રાખ. ધાતુને રાખ કરી દેવાથી વજનમાં હળવી થઈ જાય છે. હળવી વસ્તુ શરીરને ક્યારેય નુકસાન ન કરે. ભસ્મ બનાવવાની પદ્ધતિમાં ભૂલ થઈ હોય ત્યારે સમસ્યા ઊભી થાય.

આયુર્વેદમાં સોનાની ધાતુને પાંચ છાણાંમાં બાળવાની ભલામણ કરી છે. હવે એને તમે દસ કિલો લાકડાંના અગ્નિમાં બાળો તો નુકસાન થવાનું છે. એવી જ રીતે ધાતુ કાચી પણ ન રહેવી જોઈએ. આપણે ઘઉંની રોટલી બન્ને બાજુ સરખી રીતે શેકીને ખાઈએ છીએ, જો કાચી રહી જાય તો પેટમાં દુખે. પેટમાં દુખે એમાં દરદીનો નહીં, રોટલી બનાવનારનો વાંક કહેવાય. એવી જ રીતે સુવર્ણ ભસ્મ બનાવતી વખતે સોનાની ધાતુ કાચી રહી જાય તો સમસ્યા ઊભી કરે અને વધુ બળી જાય એ પણ ન ચાલે. ભસ્મ બનાવવાની પ્રોસેસ ખૂબ મહત્ત્વની છે. સોનાને ખાસ ટેમ્પરેચર પર પદ્ધતિસર ગરમ કરવામાં આવે તો એના ગુણધર્મો નાશ પામતા નથી તેમ જ કોઈ આડઅસર થતી નથી.’

આયુર્વેદે રસરસાયન ચિકિત્સાને શ્રેષ્ઠ કહી છે. ઔષધિમાં સુવર્ણ ભસ્મ ભળે ત્યારે એનો પાવર અનેકગણો વધી જાય છે. નપુંસકતા, આંખોના કષ્ટસાધ્ય દરદ, વાતપિત્ત, વ્યાકુળતા, ક્ષયરોગ, હાઇપરટેન્શન, રક્તશુદ્ધિ, તાવ આવવો, આર્થ્રાઇટિસ, પ્રમેહ રોગો, ડિપ્રેશન, સ્મરણશક્તિ વધારવા, ત્વચાના રોગોની સારવાર અને રોગને નિયંત્રણમાં રાખવા માટેની આયુર્વેદિક ઔષધિમાં સુવર્ણ ભસ્મ ઉમેરવામાં આવે છે. જન્મથી લઈને બાર વર્ષ સુધીના બાળકને સુવર્ણપ્રાશન કરાવવામાં આવે તો બુદ્ધિનો વિકાસ ઝડપથી થાય છે. ભસ્મ વજનમાં હળવી હોવાથી શરીરમાં એની કોઈ આડઅસર થતી નથી, પરંતુ એની માત્રા વૈદરાજ અથવા મેડિકલ પ્રોફેશનલને નક્કી કરવા દેવી. જાતે પ્રયોગ ન કરવાની સલાહ છે.

Leave a Comment